આ છે વિશ્વનાં સૌથી ગરીબ રાષ્ટ્રપતિ





કોઈપણ દેશનાં રાષ્ટ્રપતિ બનવું એ સન્માનની બાબત છે, સાથોસાથ તે ખૂબ જ જવાબદારીવાળું કામ છે અને રાષ્ટ્રપતિનાં પદ પરથી નીકળ્યાં બાદ તે પદની ગરિમાને સાચવી રાખવું એ તેનાંથી પણ વધુ મુશ્કેલ કામ છે. અહીં આપણે એવા રાષ્ટ્રપતિ વિશે વાત કરવાનાં છીએ કે જેમને વિશ્વનાં સૌથી ગરીબ રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે. ઉરુગ્વેનાં પૂર્વ રાષ્ટ્રપતિ હોજે મુહિકા ખૂબ જ સાધારણ જીવનશૈલી અપનાવીને પોતાનું જીવન વ્યતિત કરી રહ્યાં છે. રાજકારણમાંથી રિટાયર્ડ થયા બાદ તેમણે પેન્શન લેવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી.
રાષ્ટ્રપતિ પદ બાદ મુહિકા 2015નાં વર્ષમાં ઉરુગ્વેની સંસદમાં સેનેટર પણ રહી ચૂક્યાં છે. મંગળવારે તેમણે પોતાનું ટર્મ પૂર્ણ કરતા પહેલાં જ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 83 વર્ષનાં મુહિકાએ કહ્યું કે, તેઓ પોતાનો કાર્યકાળ પૂરો નહીં કરી શકશે, કારણ કે આ લાંબી યાત્રાને કારણે તેઓ થાકી ગયા છે. મુહિકાએ સેનેટનાં અધ્યક્ષા અને ઉપ-રાષ્ટ્રપતિ લુસિયા તોપોલાંસ્કીને પોતાનું રાજીનામું પહોંચાડ્યું હતું કે જે તેમનાં પત્ની પણ છે. પોતાનાં રાજીનામામાં તેમણે લખ્યું હતું કે, રાજનામું આપવાનું તેમનું કારણ અંગત છે.
 પરંતુ, જ્યાં સુધી મારું મગજ કામ કરતું રહેશે ત્યાં સુધી હું એકતા અને વિચારોની લડાઈમાંથી રાજીનામું નહીં આપી શકું. મુહિકા મોંફટ હોવા માટે તેમજ ક્યારેક-ક્યારેક રચનાત્મક ભાષામાં પોતાની વાત રજૂ કરવા માટે પણ લોકપ્રિય રહ્યાં છે.

 2013નાં વર્ષમાં આર્જેન્ટિનાનાં તત્કાલિન રાષ્ટ્રપતિ ક્રિસ્ટીનાને ઘરડી ચૂડેલ કહેવા બદલ તેમની માફી પણ માગવી પડી હતી. સાથે જ તેમણે ક્રિસ્ટિનાનાં પતિ અને આર્જેન્ટિનાનાં પૂર્વ રાષ્ટ્રપતિ નેતોર કિર્સનરની આંખોની બીમારી વિશે પણ ખોટી ટિપ્પણી કરી હતી. એટલું જ નહીં, પરંતુ તેમણે 2016નાં વર્ષમાં વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ નિકોલસ મેદુરોને બકરી જેવા ગાંડા કહ્યાં હતાં. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ બન્યાં હતાં ત્યારે તેમણે ભવ્ય રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારથી તેઓ અને તેમની પત્ની રાજધાની મોંટેવિડીયોની બહારનાં વિસ્તારમાં આવેલા એરોક ફાર્મ હાઉસમાં રહેતા હતાં. પોતાનાં રાષ્ટ્રપતિનાં કાર્યકાળ દરમિયાન તેમણે પોતાને મળતાં પગારમાંથી મોટાભાગની રકમ દાન કરી દીધી હતી. 2010નાં વર્ષમાં રાષ્ટ્રપતિ બન્યાં બાદ તેમની પાસે માત્ર એક જ સંપત્તિ હતી, જે 1987ની ફોક્સવેગન બીટલ કાર હતી.

Post a Comment